Saturday, September 21, 2024

2 : 62 દરેક સમયમાં ઈમાનની‌ સાથે નેક અમલ પણ જરૂરી છે...

 પારા નં:- 01| (02. સૂરહ બકરહ)

આયત નં:- 62

================


اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَالَّذِيۡنَ هَادُوۡا وَالنَّصٰرٰى وَالصّٰبِئِـيۡنَ مَنۡ اٰمَنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَعَمِلَ صَالِحًـا فَلَهُمۡ اَجۡرُهُمۡ عِنۡدَ رَبِّهِمۡۚ وَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ (62)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

બેશક જે લોકો = اِنَّ الَّذِيۡنَ

 ઈમાન લાવ્યાં = اٰمَنُوۡا

 અને જે લોકો = وَالَّذِيۡنَ

 યહૂદી = هَادُوۡا

 અને નસારા = وَالنَّصٰرٰى

 અને સાબી = وَالصّٰبِئِـيۡنَ

જે ઈમાન લાવ્યાં = مَنۡ اٰمَنَ 

 અલ્લાહ પર = بِاللّٰهِ

 અને આખિરતના દિવસ પર = وَالۡيَوۡمِ الۡاٰخِرِ

 અને કામ કર્યા = وَعَمِلَ

 નેક = صَالِحًـا

તો એમના માટે = فَلَهُمۡ

તેમનો બદલો છે = اَجۡرُهُمۡ

પાસે = عِنۡدَ

તેમના‌ રબ = رَبِّهِمۡۚ

અને ન કોઈ ખૌફ હશે = وَلَا خَوۡفٌ

તેમના પર = عَلَيۡهِمۡ

અને ન તેઓ ગમગીન હશે = وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


(૬૨). બેશક જે લોકો ઈમાન લાવ્યાં (કે પછી તેઓ) યહૂદી હોય, નસારા હોય, સાબી હોય, જે કોઈ પણ અલ્લાહ તઆલા પર અને આખિરત(પરલોક)ના દિવસ પર ઈમાન લાવે અને નેક કામ કરે તેમનો બદલો અલ્લાહ પાસે છે અને તેમના પર ન કોઈ ખૌફ હશે અને ન કોઈ  ગમ હશે.

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

 તફસીર(સમજૂતી)

•┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


યહૂદ શબ્દ મુહબ્બત અથવા‌ તૌબાથી બન્યો છે તેમનું નામ તૌબા‌ કરવાથી અથવા તેઓ આપસમાં એકબીજા સાથે મુહબ્બતથી રહે છે તે કારણે પડ્યું, જો કે મુસા અ.સ. ને માનનારા લોકોને યહૂદી કહેવાય છે.


નસારા શબ્દનો અર્થ નુસરત(એટલે મદદ) એટલે કે તેઓ આપસમાં એકબીજાની‌ મદદ કરે છે તેથી તેમનું આ નામ પડ્યું જેમ કે તેઓએ ઈસા અ.સ.ને કહ્યું હતું જે આયત‌...

 ( نَحْنُ اَنْصَار اللّٰهِ )

અમે છીએ અલ્લાહના મદદગાર (સૂરહ સફ્ફ : 14)

હઝરત ઈસા અ.સ. ના અનુયાયીઓને નસારા તથા ઈસાઈ પણ કહેવાય છે.


સાબી લોકો કદાચિત પહેલાં સત્ય ધર્મ પર હશે એટલા માટે તેમનું યહૂદી અને ઈસાઈ સાથે વર્ણન છે, પરંતુ પછી તેઓ તારાઓની પૂજામાં લાગી ગયા, અથવા તે લોકો જે કોઈ ધર્મમાં માનતા નથી એટલે કે નાસ્તિક લોકો...


કેટલાક લોકોએ આ આયતનો ખોટો ભાવાર્થ સમજ્યો છે એટલે કે મુહમ્મદ ﷺ ની રિસાલત‌ પર ઈમાન લાવવું જરૂરી નથી બસ સદકાર્ય કરવાથી સફળ થઈ જવાશે... આવો વિચાર કરવો પણ ખૂબજ મોટો અને સખત ગુનો છે...

આ આયતની સહી તફસીર આ પ્રમાણે છે...


જ્યારે અલ્લાહ તઆલાએ આના પહેલાંની  આયતોમાં યહૂદીઓના દુષ્કર્મો અને અવજ્ઞાઓ અને તેના કારણે તેઓ સજાને પાત્ર હોવાનો ઉલ્લેખ કર્યો છે, તો મનમાં એક વિચાર ઉભો થઈ શકે છે કે જે યહૂદીઓ અલ્લાહની સાચી કિતાબનું પાલન કરે છે અને તેમના પયગંબરના માર્ગદર્શન મુજબ જીવન વિતાવે છે તેમની સાથે અલ્લાહ તઆલાએ શું મામલો કર્યો હશે?


અલ્લાહ તઆલાએ આ વાતની‌ સ્પષ્ટતા કરીને ફરમાવી દીધું કે ફક્ત યહૂદી નહીં પણ નસારા (એટલે કે ઈસાઈ) અને સાબી પોત પોતાના સમયમાં એટલે કે તેમના પયગંબરના સમયમાં એટલે કે પયગંબર મુહમ્મદ ﷺ ના આવ્યાં પહેલાં અલ્લાહ પર‌ અને પરલોકના દિવસ પર ઈમાન લાવીને નેક અમલ કરતાં રહ્યાં તેઓ સફળતા પ્રાપ્ત કરશે અને તેવી જ રીતે પયગંબર મુહમ્મદ ﷺ ના આવ્યાં પછી તેમની રિસાલત પર ઈમાન લાવનારા મુસલમાનો પણ સહીહ તરીકાથી અલ્લાહ પર ઈમાન અને આખિરત પર ઈમાન અને નેક અમલ કરતાં રહ્યાં તે પણ આખિરતની અપાર‌ નેમતોના હકદાર બનશે.


પરલોકમાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં, દરેકને નિષ્પક્ષ બદલો મળશે.

ભલે પછી તે મુસ્લિમો હોય કે યહૂદીઓ, કે ઈસાઈઓ અને સાબી વગેરે...


સહીહ મુસ્લિમમા હદીસ છે કે પયગંબર મુહમ્મદ ﷺ એ ફરમાવ્યું : કસમ છે તે જાતની જેના હાથમાં મારો જીવ છે, મારી આ ઉમ્મતમાંથી જે કોઈ પણ મારી વાત સાંભળી લે તે પછી યહૂદી હોય કે ઈસાઈ, અથવા જે કોઈ પણ હોય મારા પર ઈમાન ન લાવે તે જહન્નમ એટલે કે નરકમાં જશે.

એટલા માટે જરૂરી છે કે કુરઆનની આયતોને સમજવા માટે હદીસોનો પણ અભ્યાસ કરવામાં આવે.





No comments:

Post a Comment